ભણતર અને ગણતર

ભણતર અને ગણતર એ કાનો-માત્ર વગરના આ બે શબ્દોમાં અદભૂત તાકાત છે. તેના થકી જ માનવજીવનનું ઘડતર થાય છે. મોટાભાગે આપણે બોલતાં સાંભળીએ છીએ ‘ભણી ગણીને હોશિયાર થજે.’ ‘ભણ્યો પણ ગણ્યો નહીં…’ ભણતર અને ગણતર વચ્ચે ઘણો મોટો ફેર છે.

ભણતર : ભણતર આપણને જાણકારી, જ્ઞાન, સમજણ, આંકડાકીય માહિતી આપે, ભણતરથી સફળતા મળે, ભણતર આપણને વિચારતાં શીખવે, વ્યક્તિત્વ વિકાસ થાય, બુદ્ધિનો વિકાસ થાય.

ગણતર : ગણતર આપણને યોગ્ય જ્ઞાનનો, યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, સુંદરતા તથા સંપૂર્ણતાથી ઉપયોગ કરતાં શીખવે, વિચારોનું પૃથક્કરણ કરી અમલમાં મૂકતાં શીખવે, માણસનું ચરિત્ર ઘડાય, બુદ્ધિનો યોગ્ય માર્ગે ઉપયોગ શીખવે છે, ગણતર એ આજીવન ચાલતી ક્રિયા છે, ગણતર જીવનનો આનંદ આપી શકે.

By HT. Gaurang Joshi

શું કહે છે ગુજરાતી મૂળાક્ષરો જરુર વાંચજો

ક – કહે છે કલેશ ન કરો.

ખ – કહે છે ખરાબ ન કરો.

ગ – કહે છે ગર્વ ન કરો.

ઘ – કહે છે ઘમંડ ન કરો…

ચ – કહે છે ચિંતા ન કરો.

છ – કહે છે છળથી દૂર રહો.

જ – કહે છે જવાબદારી નિભાવો.

ઝ – કહે છે ઝઘડો ન કરો.

ટ – કહે છે ટીકા ન કરો.

ઠ – કહે છે ઠગાઇ ન કરો.

ડ – કહે છે કયારેય ડરપોક ન બનો.

ઢ – કહે છે કયારેય ‘ઢ’ ન બનો.

ત – કહે છે બીજાને તુચ્છકારો નહીં.

થ – કહે છે થાકો નહીં.

દ – કહે છે દીલાવર બનો.

ધ – કહે છે ધમાલ ન કરો.

ન – કહે છે નમ્ર બનો.

પ – કહે છે પ્રેમાળ બનો.

ફ – કહે છે ફુલાઇ ન જાઓ.

બ – કહે છે બગાડ ન કરો.

ભ – કહે છે ભારરૂપ ન બનો.

મ – કહે છે મધૂર બનો.

ય – કહે છે યશસ્વી બનો.

ર – કહે છે રાગ ન કરો.

લ – કહે છે લોભી ન બનો.

વ – કહે છે વેર ન રાખો.

શ – કહે છે કોઇને શત્રુ ન માનો.

સ – કહે છે હંમેશા સાચુ બોલો.

ષ – કહે છે હંમેશા ષટ્કાયના જીવની રક્ષા કરો.

હ – કહે છે હંમેશા હસતા રહો.

ક્ષ – કહે છે ક્ષમા આપતા શીખો.

જ્ઞ –કહે છે જ્ઞાની બનો.

By HT. Gaurang Joshi

સી.આરસી. એરાલના વરવાડા ગામે શાળા પ્રવેશોત્સવ

 
 

કાલોલ
તાલુકાના વરવાડા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવની ઉજવણી
તાલુકાના મામલતદારશ્રીએ કરાવી હતી, જેમાં ૧૬ બાળકોને ધોરણ ૧માં પ્રવેશ કરાવાયો હતો અને ધોરણ ૮ માં ર૬ બાળકોને પ્રવેશ કરાવાયો હતો આ
પ્રસંગે શૈક્ષણિક કિટ, બાળકોને દફ્તર આપવામાં આવ્યાં હતાં. ધો.૩ થી ૭ માં તેજસ્વી બાળકોનું મહાનુભાવો દ્વારા પુસ્તકો આપીને સન્માન, દાનમાં મળેલ પુસ્તકોનું અર્પણ, તીથી ભોજન આપનાર દાતાનું સન્માન, ૫૦ વર્ષ કે તેથી વધારે જુની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ગયેલા વયોવૃદ્ધ ગ્રામજનોનું સન્માન, મુખ્યમંત્રીએ લખેલ પત્રનું વાંચન કરવામાં આવ્‍યુ હતું.ઉપરાંત શાળામાં
વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મામલતદારશ્રી જે.કે.જાદવએ
જણાવ્યું હતું કે,રાજ્ય સરકારના સુંદર પ્રયાસથી શિક્ષણની ગુણવત્તા સુધરી
છે.ગ્રામ્ય કક્ષાએ પણ દરેક બાળક શિક્ષિત થાય તેવા પ્રયાસો કરવામાં આવી
રહ્યા છે.
આ પ્રસંગે મોટી સંખ્‍યા ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

By HT. Gaurang Joshi

સી.આર.સી. એરાલમાં ત્રણ દિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

કલસ્ટરમાં ૯૮ બાળકોને પ્રવેશ અપાશે ૧૬,૧૭ અને ૧૮ તારીખે થનાર આયોજન


તા.
૧૪.૦૬.ર૦૧૧

૧રઃ૦૦

સી.આર.સી. એરાલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૧૧ની ભવ્ય ઉજવણી
તા. ૧૬,૧૭,૧૮ જુન દરમિયાન કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે ૧૦૦ ટકા સાક્ષર
કરવાનું બીડુ ઝડપ્યુ છે તેના ભાગરૂપે કલસ્‍ટરમાં સુચારૂ આયોજન કરવા
માટેની એક બેઠક તાજેતરમાં કો.ઓડીનેટરશ્રી ગૌરાંગ જોષીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.

અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન કરતાં
જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ એ માત્ર શિક્ષણ વિભાગનો જ નહી
પરંતુ સમગ્ર સમાજનો કાર્યક્રમ છે. ત્યારે સમગ્ર રાજ્યની સાથે કલસ્‍ટરમાં ઉજવનાર શાળા પ્રવેશોત્સવમાં ૯૮ બાળકો પહેલા ધોરણમાં
અને ર૪ બાળકો આંગણવાડીમાં પ્રવેશ મેળવશે.

વધુમાં
તેમણે જણાવ્યું કે જે શાળામાં ૬થી ૧૪ વર્ષના બાળકો શાળા છોડી ગયેલા હોય
તેવા બાળકોને શોધીને પુન: પ્રવેશ અપાવવો જોઇએ. ગામ લોકો જાગૃત થાય તે માટે
પ્રભાત ફેરી કાઢવી, બાળકોને પાઠ્ય પુસ્તકોની કિટસ આપવી. ધો.૩ થી ૭ માં
તેજસ્વી બાળકોનું મહાનુભાવો દ્વારા પુસ્તકો આપીને સન્માન કરવું, દાનમાં
મળેલ પુસ્તકોનું અર્પણ, તીથી ભોજન આપનાર દાતાનું સન્માન, ૫૦ વર્ષ કે તેથી
વધારે જુની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ગયેલા વયોવૃદ્ધ ગ્રામજનોનું
સન્માન, મુખ્યમંત્રીએ લખેલ પત્રનું વાંચન કરવુ, શાળામાં વૃક્ષારોપણ
કરાવવું, લોકભાગીદારીથી બાળકોને રમકડાં આપવા, વાંચે ગુજરાત અંતર્ગત પુસ્તકો
આપવા, અધિકારીઓએ બાળકોને અપાતું મધ્યાહન ભોજન સાથે લેવું તેમજ તેની ચકાસણી
કરી જરૂરી સૂચનો કરવા. ગ્રામ્ય કક્ષાએ સરપંચઓ, પદાધિકારીઓ તેમજ શિક્ષણ
ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓને સાથે રાખવા વગેરે અંગે જરૂરી સુચનો કર્યા
હતા.

શાળા વિલીનીકરણ તેમજ એસ.એમ.સી.ની રચના બાબતે કરવાની કામગીરીની વિસ્‍તૃત માગદશન આપવામાં આવ્‍યું હતું.

બેઠકમાં સી.આર.સી.માં સમાવિષ્‍ટ શાળાઓના તમામ આચાયશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

By HT. Gaurang Joshi

સી.આર.સી. એરાલની પાણીયા શાળામાં પ્રવેશોત્સવ

 તા. ૧૮.૬.ર૦૧૧ સમય ઃ ૩ઃ૩૦


પાણીયા શાળામાં જિલ્‍લા પંચાયત પંચમહાલના પ્રમુખ શ્રીમતી ર‍શ્મ‍િકાબેન પટેલ સહિતનાં નેતાઓની

ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.


 

શાળા પ્રવેશોત્સવનો નવા ભુલકાઓને પાટી પેન, દફતર,શાળાનાં એક થી ત્રણ
ક્રમાંકે આવેલ બાળકોને ઈનામ અને આંગણવાડીના બાળકો માટે
રમતના સાધનોનું વિતરણ કરાયું હતું. જે પ્રસંગે નાના ભુલકાઓ કુતુહલ સાથે
ઉત્સાહિત થઈ શાળામાં પ્રવેશ લીધો હતો. જેઓનું સ્વાગત કુમકુમ તિલક દ્વારા
કરવામાં આવ્યું હતું. પાણીયા શાળામાં ૩ કુમાર અને ૫ કન્યાઓ મળી ૮ બાળકોને
પ્રવેશ અપાયો હતો.

 


આ પ્રસંગે જિલ્‍લા પંચાયત પંચમહાલના પ્રમુખ શ્રીમતી ર‍શ્મ‍િકાબેન પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી રથયાત્રા શરૂ કરી
પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી.તેમણે ગામેગામ જંગલમાં ધોમધખતા તાપમાં ફરીને
બેટીઓને ભણાવવા અપીલ કરતાં આજે શાળા કોલેજોમાં દિકરીઓ ભણતી થઈ છે. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે પ્રથમ શૈક્ષણિક સત્રમાં શાળાપ્રવેશોત્સવ અને બીજા સત્રમાં ગુણોત્સવના અભિયાનો હાથ ધરવામાં આવ્યા તેની સાથોસાથ કુપોષણ સામે લડાઇનું અભિયાન ઉપાડીને આવતીકાલની પેઢી, કન્યા કિશોરી અને સગર્ભા માતાને પોષણક્ષમ આહાર મળે, બાળકોના સ્વસ્થ શારિરીક વિકાસ માટે શાળા આરોગ્ય પરિક્ષણ અભિયાન, બાલભોગ અને મધ્યાન્હ ભોજન યોજના, તિથીભોજન અને આંગણવાડીની નવીનત્તમ અનેક પહેલ કરી છે . સમાજ શકિતનો ઉમળકાભર્યો પ્રતિસાદ જ ગુજરાતને નિરક્ષરતાના કલંકથી મૂકત કરશે અને કુપોષણ સામેની લડાઇમાં જીત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

By HT. Gaurang Joshi

સી.આર.સી. એરાલમાં તાલીમ વર્ગની પૂર્ણાહુતિ

કાલોલ તાલુકાની એરાલ શાળામાં બ્લોક કક્ષાના દસ દિવસીય સેવાકાલીન તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૮ એપ્રિલથી તા. ૨૯ એપ્રિલ ર૦૧૧ દરમિયાન યોજાયેલ તાલીમ વર્ગમાં સીઆરસી એરાલ અને સુરેલીના ધોરણ પ થી ૮ ના પ્રાથમિક શિક્ષકોએ તાલીમ લીધી હતી. જેમાં જિલ્લા પંચાયતના ૩૦ તથા નોન ગ્રાન્ટેડ ૩ શિક્ષકોનો સમાવેશ થાય છે. તાલીમ વર્ગમાં ગણિત, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી, વિજ્ઞાન જેવા વિષયો ઉપર દસ તજજ્ઞો દ્વારા વિવિધ મુદ્દાઓ પરત્વે બાળકોપયોગી તાલીમ હેતુલક્ષી બને તે માટે ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.

 
 

By HT. Gaurang Joshi

‘લૂઇ બ્રેઇલ ડે’

પ્રથમ વખત બાળ વિશ્વકોશનું ગુજરાતી બ્રેઇલ લીપીમાં પ્રકાશન
૪ જાન્યુઆરી એટલે ‘લૂઇ બ્રેઇલ ડે’
અંધ બાળકો માટે વિશ્વમાં પ્રથમ વખત ગુજરાતી બ્રેઇલ લીપીમાં બાળ વિશ્વકોશનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી બાળ વિશ્વકોશના પ્રથમ ખંડને બ્રેઇલ લીપીમાં સાત ભાગમાં છાપવામાં આવ્યો છે ભારતમાં ચાર જગ્યાએ બ્રેઇલ સાહિત્ય છાપવામાં આવે છે જેમાનું એક ગુજરાતનું એક માત્ર બ્રેઇલ પ્રેસ અમદાવાદ અંધજન મંડળ ખાતે છે. મહત્ત્વની વાત એ છે કે દેશની આ એક માત્ર ગુજરાતી બ્રેઇલ સાહિત્ય છાપતો પ્રેસ છે. અને આ વર્ષે ગુજરાત રાજ્યના અંધ બાળકો માટે દુનિયાનું પ્રથમ અને એક માત્ર ગુજરાતી બ્રેઇલ ઇન્સાક્લોપિડિયા (વિશ્વકોશ) બાળ વિશ્વ કોશનું ગુજરાતી બ્રેઇલ લીપીમાં પ્રકાશન કરવામાં આવ્યું છે. બ્રેઇલ છ ટપકાંથી બનેલી લીપી છે અને માત્ર ૬ કી દ્વારા નિયમો મુજબ જે લખવું હોય તે બ્રેઇલમાં લખી શકાય છે. આ બ્રેઇલ પ્રેસમાં બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે ૧થી ૧૨ ધોરણના બધાં જ અભ્યાસક્રમના પુસ્તકો તથા મનોરંજનથી લઇ રામાયણ, મહાભારત જેવા ધાર્મિક પુસ્તકો બ્રેઇલ લીપીમાં છાપવામાં આવે છે.

By HT. Gaurang Joshi

પરીક્ષાને ઉત્સવ બનાવી દો

પરીક્ષાને ઉત્સવ બનાવી દો

ચિંતા મુકિત:

        સીઆરસી એરાલ આયોજિત કાર્યક્રમમાં ધો.૧-૭ના વિદ્યાર્થીઓને કો.ઓર્નેટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું – પરીક્ષાનો હાઉ કાઢી નાખવા કો.ઓડીર્નેટરશ્રીનો અનુરોધ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓના મનમાં પરીક્ષાને લગતા ઉદ્ ભવતા પ્રશ્નોનું નિરાકરણ અને નિદાન આપવા માટે સી.આર.સી. એરાલ દ્વારા આયોજિત  કાઉન્સેલિંગનો પ્રારંભ થયો હતો. જેમાં કો.ઓડીર્નેટરશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ મનમાંથી કાઢી નાખી પરીક્ષાને પણ એક ઉત્સવ બનાવી દેવા સૂચન કર્યું હતું.

        કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા હતા. સી.આર.સી. એરાલની શાળાઓનાં વિદ્યાર્થી અને તેઓનાં વાલીઓના પ્રશ્નો અને સમસ્યાઓનો સચોટ ઉકેલ આપવા માટે એરાલ શાળા ખાતે  કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જેનું ઉદ્ ધાટન કરતાં તાલુકા સભ્‍યશ્રી મહેન્‍દ્રભાઇ એ વિદ્યાર્થી-વાલીઓને જણાવ્યું હતું કે,સીઆરસી એરાલ દ્વારા ધો.૧-૭નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા જે આયોજન થયું છે તે સરાહનીય છે. કિશોર અવસ્થામાંથી પસાર થઇ રહેલાં ધો.૧-૭નાં વિદ્યાર્થીઓ શારીરિક-માનસિક ફેરફાર સાથે અભ્યાસ તથા માતા-પિતાની અપેક્ષામાં દબાઇ ગયાં છે. આવાં વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ દ્વારા મદદરૂપ થવાનો જે સંકલ્પ લીધો છે તે અભિનંદનને પાત્ર છે.    

    કો.ઓડીર્નેટર શ્રી ગૌરાંગ જોષીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષાપૂર્વે ચિંતા સતાવતી હોય છે કે વાંચેલું યાદ રહેતું નથી. માત્ર વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ લેતાં કરવાની જરૂર છે. વિષયોની સતત પ્રેક્ટિસ કરવાથી યાદ રહેશે. વિદ્યાર્થીઓ એક વાત સમજી લે કે, પરીક્ષા આખરી મંજિલ નથી. વ્યક્તિની જીવનયાત્રાનો એક ભાગ છે . વિદ્યાર્થીઓએ પરીક્ષા સુધી વર્લ્ડકપની મેચ, લગ્ન પ્રસંગ સહિતના અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવો પડશે. સહેલું તે પહેલું એ નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓએ વિષયોની તૈયારી કરવી જોઇએ. માતા-પિતાએ પણ પોતાની મનગમતી સિરિયલ છોડી દેવી પડશે. પરીક્ષાને ઉત્સવ તરીકે લેશો તો ડર નીકળી જશે.

યાદશકિત વધારવા મનને જાગૃત કરો –

       વિદ્યાર્થીઓને યાદશકિત વધારવા મનને જાગૃત કરવાની ટિપ્સ પરીક્ષાના સમયે નેગેટિવ વિચારોને મન પર કબજો જમાવવા દેશો નહીં. યાદ રહેતું નથી, વિષય અઘરો છે, બીમાર થઇ જવાશે વગેરેને મગજરૂપી કમ્પ્યૂટરમાંથી ડિલીટ કરી નાખો. સ્વ સૂચનથી ખોટા વિચારો આવતા બંધ થઇ જશે. હવે હું વાંચીશ તે યાદ રહેશે, હવે મારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તેવું ઓટો સજેશન કરો. વાંચવા બેસો તે અગાઉ કડક બેસીને આંખો બંધ કરી શ્વાસ લો, અને બોલો હવે હું વાંચીશ તે યાદ રહેશે. આનું પાંચ વાર પુનરાવર્તન કરો. દિવસમાં ત્રણ વારપણ કરી શકાય. માત્ર એક જ સૂચન મગજ સુધી પહોંચાડૉ. બે સૂચન ભેગાં થશે તો ગૂંચવાડી સર્જાશે. જોકે યાદશકિત વધારવાની આ કવાયત માટે શ્રદ્વા અને વિશ્વાસ જરૂરી છે. જમ્યા પછી તુરંત આ પધ્‍ધતિ ન અપનાવો.

વાલીઓ પોતાની અધૂરી ઇચ્છા સંતાનો પર ન ઠોકી બેસાડે –

           વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતો ડર ખોટો છે. જો વિદ્યાર્થી ડર કાઢીને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરે તો સારા માર્ક્સ મેળવી શકશે. વિદ્યાર્થીઓ કરતાં માતા-પિતાને સામાજિક આબરૂની ચિંતા વધારે સતાવતી હોય છે. મોટા ભાગનાં માતા-પિતા પોતાની અધૂરી ઇચ્છા સંતાનો પર લાદી દે છે. જે તદ્દન ખોટું છે. બાળકોને પોતાનાં રુચિ અને રસ પ્રમાણેના પ્રવાહમાં જવાની આઝાદી માતા-પિતાએ આપવી જોઇએ. એપ્ટિટ્યુડ ટેસ્ટની મદદથી વિદ્યાર્થીઓનાં રસ-રુચિને જાણીને પ્રવાહ પસંદ કરવામાં સરળતા થઇ શકે છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ઊભો થવા માટે વાલી પણ જવાબદાર છે – વિદ્યાર્થીઓ એક વાત સારી રીતે સમજી લે કે પરીક્ષા આખરી મુકામ નથી. માતા-પિતાને જ ડર રહે છે કે મારું સંતાન પાછળ રહી જશે તો? આ ડર બાળક સુધી પહોંચે છે. બાળક તો આગળ વધવાનું જ છે. તેનો ઉછેર થવાનો જ છે. ફક્ત તેને પ્રવાહમાં વાળવાની જરૂર છે. આજના વિદ્યાર્થીઓ જોશથી ભરપૂર છે. માત્ર તેમને જરૂર છે યોગ્ય માર્ગદર્શનની. વાલીઓની અપેક્ષાનો બોજ સંતાન પર આવતાં ફૂલ ખીલવાને બદલે મૂરઝાઇ જાય છે. બાળકોને છુટાં મૂકી દો. પરીક્ષા પૂર્ણ વિરામ નથી, અલ્પવિરામ છે.

 સમય છે અતિ કીમતી સમજો

સમયસર ગઈ સંપત્તિ ફરી સાંપડે,

ગયાં આવે છે વહાણ,

ગત અવસર આવે નહીં,

ગયા ન આવે પ્રાણ.

      ગમે તેટલી સંપત્તિ વેડફાઈ ગઈ હોય તેને પાછી મેળવી શકાય છે. પણ જે ઘડી આપણી પાસેથી નીકળી ગઈ છે તે ક્યારેય પાછી આવતી નથી. માટે જો સારી અને યોગ્ય સફળતા મેળવવી હોય તો સમયસૂચકતા ખાસ મહત્ત્વની હોય છે. સમયનું મેનેજમેન્ટ સારી રીતે કરવામાં આવે તો કોઈ પણ કાર્યને નક્કી કરેલ સમયે પૂરું કરી શકાય છે અને સફળતાની જાજમ બિછાવી શકાય છે. નોકરી હોય કે અભ્યાસ સમય જેણે સાચવ્યો તેને સમય સાચવે છે. એટલે સમય નામની ગાડી તમારા ઘેર આવી હોય અને તમે તેને અવગણો તો ફરી તે આવશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. માટે ટાઈમ મેનેજમેન્ટ કોઈ પણ લક્ષ્યાંક પૂરો કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ કોઈ લક્ષ્યાંક આપણને સોંપવામાં આવે ત્યારે સમયનું બંધન તમારા માથે સતત ટકોરા મારતું હોય છે. અને આ સમયના યોગ્ય ટકોરે જો તમે જાગીને તેનો સદુપયોગ કરો તો ગમે તેવું કઠિન કાર્ય સરળ બની જાય છે. પરીક્ષાની તૈયારી માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરી એક સમયપત્રક બનાવો અને પછી જુઓ તેની કમાલ…

રીક્ષાના સમયમાં દીનચર્યાનું આયોજન કરી પાલન કરો –    

          પરીક્ષાના દિવસોમાં ૬ થી ૭ કલાક ઊંઘ લેવી. ગમતા સમયે વાંચવું. બપોરે આરામ લેવો. પરીક્ષાના દિવસોમાં પૌષ્ટિક આહાર લેવો જંકફૂડ ટાળવું. પરીક્ષાખંડમાં ગ્લુકોઝનું પાણી લઇ જવું. દર પંદર મિનિટે આ પાણી પીવાથી વાંચેલુ યાદ આવશે. દર એક કલાકે વાંચવામાં ૧૫ મિનિટનો બ્રેક લેવો. વિદ્યાર્થીઓના ૧૫ મિનિટના બ્રેકમાં વાલીઓએ તેમની સાથે હળવાશથી વર્તીને અન્ય ટોપિક પર ચર્ચા કરવી જોઇએ. અઘરા વિષયોને લખવાની પ્રેક્ટિસ પાડવી જોઇએ. યોગ્ય આહાર પરીક્ષાના દિવસોમાં સામાન્ય રીતે વિદ્યાર્થી ઓછો ખોરાક લે છે. એ વાત સાચી કે ખોરાક ઓછો કરવો જોઈએ પણ એટલે ઓછો પણ ન કરવો જેથી શરીરને નુકસાન થાય. શરીર સ્વસ્થ હશે તો ગમે તેવી અઘરી પરીક્ષા પણ પાર પાડી શકાય. માટે યોગ્ય ખોરાક શરીર અને મનને તંદુરસ્ત રાખશે. પૂરતી ઊંઘ ઉજાગરા કરવાથી શરીર પણ બગડે છે અને માંદા પડવાની શક્યતા પણ વધી જાય છે. આપણે જણાવ્યા પ્રમાણે ટાઈમ ટેબલને અનુસરવામાં આવે તો ઉજાગરા કરવા નહીં પડે અને કોઈ સમસ્યા પણ નહીં આવે. પૂરતી ઊંઘ શરીરને સશક્ત બનાવે છે અને વાંચવાની ક્ષમતામાં પણ વધારો થાય છે.

પૂછતાં પંડિત થવાય

        જો કોઈ બાબતની ખબર ન પડતી હોય તો ખોટી મૂંઝવણમાં પડયા કરતાં તમારા શિક્ષક અથવા તો સિનિયર વિદ્યાર્થી પાસે મદદ લઈ શકો. અભ્યાસના ક્ષેત્રમાં નાસીપાસ થવાથી કંઈ મળતું નથી. કોઈ પણ સમસ્યાનો હલ હોય છે. માત્ર જરૃર હોય છે તેના મૂળ સુધી જવાની. કેમ કે તમે પ્રશ્ન ઝડપથી હલ કરશો તો તમારો કિંમતી સમય પણ બચી જશે. સબળું પાસું જાણો કોઈ પણ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં માહેર કે નિપુણ હોતી નથી અને આપણે પણ એમાંથી બાકાત નથી એ બાબતને ધ્યાનમાં રાખીને આગળ વધવું. જે વિષય પર તમારી સારી પક્કડ હોય તેને વધુ મજબૂત બનાવો અને જે પાસું નબળું હોય તેને સતત ટ્રીટમેન્ટ આપતાં રહો. સબળું પાસું વધુ મજબૂત કરો અને નબળા પાસાને સમયાંતરે સંવારતાં રહો.

 સમયાંતરે બ્રેક

          મહેનત એટલે આખો દિવસ બસ વાંચવા કે લખવા મચી જ પડવું એવું નથી. ગમે તે થાય આજે આ ચોપડી પૂરી કરવી જ છે એવો કડક નિયમ લાગુ પાડવાની જરૃર નથી. સવારે બે-ત્રણ કલાક મહેનત કરો અને વચ્ચે થોડો બ્રેક લો. વાચવાની સાથે સાથે સમયાંતરે થોડો વિરામ લેવો જેથી મગજ અને શરીરને આરામ મળી રહે. આમ કરતાં રહેવાથી તમે રિલેક્સ રહી શકશો. જે તમને બાકીના બચેલા દિવસ માટે ર્સ્ફૂતિ આપનાર બની રહેશે. પછી રાતના સમયે ત્રણથી ચાર કલાક વાંચો. આમ કરવાથી તમે માનસિક રીતે સ્વસ્થ રહી ઓછા સમયમાં તમારી મહેનતને પૂર્ણ ન્યાય આપી શકશો અને પરીક્ષામાં ધાર્યું પરિણામ મેળવી શકશો.

By HT. Gaurang Joshi

કોયડા ઉકેલ ર

એક ખેડૂતે તેના ખેતરની એક બાજુમાં સીધી લીટીમાં તારની વાડ બાંધવાનું નક્કી કર્યું. તેણે એમ જોયું કે જો ૮-૮ મીટરના અંતરે થાંભલા ખોડે તો એની પાસે જેટલા થાંભલા હતા તે બધા થાંભલા વપરાઈ જાય, પણ જો ૬-૬ મીટરના અંતરે થાંભલા ખોડે તો પાંચ નંગ થાંભલા તેણે ખરીદવા પડે. તો તેના ખેતરની જે બાજુમાં તે થાંભલા ખોડવા માંગતો હતો તેની લંબાઈ કેટલી હતી અને તેની પાસે કેટલા થાંભલા હતા? (૧) ૧૦૦ મીટર, ૧૫ થાંભલા. (૨) ૧૦૦ મીટર, ૧૬ થાંભલા. (૩) ૧૨૦ મીટર, ૧૫ થાંભલા. (૪) ૧૨૦ મીટર, ૧૬ થાંભલા.
ઉપરોક્ત પ્રશ્ન આપમેળે ઉકેલવાનો લ્હાવો લેશો તેમ હું ધારું છું. વળી જતાં જતાં એક ઉખાણું પણ પૂછી લઉં?
અમથાજી, બચુભાઈ, ચમનલાલ અને ડાહ્યાલાલ એમ ચાર જણા લાલ, લીલા, પીળા અને વાદળી રંગના ઘરમાં રહે છે પણ અનુક્રમે નહીં. ચમનલાલ પીળા રંગના મકાનમાં રહે છે.
લીલા રંગનું મકાન વાદળી રંગના મકાનને અડીને છે. અમથાજી અને ચમનલાલ અડખે-પડખે નથી રહેતા. પીળા રંગનું ઘર લીલા અને લાલ રંગનાં ઘરોની વચ્ચે છે. તો અમથાલાલ કયા રંગના ઘરમાં રહે છે? (૧) વાદળી (૨) લીલો (૩) લાલ (૪) કહી ન શકાય.

By HT. Gaurang Joshi