પરીક્ષાને ઉત્સવ બનાવી દો

પરીક્ષાને ઉત્સવ બનાવી દો

ચિંતા મુકિત:

        સીઆરસી એરાલ આયોજિત કાર્યક્રમમાં ધો.૧-૭ના વિદ્યાર્થીઓને કો.ઓર્નેટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું – પરીક્ષાનો હાઉ કાઢી નાખવા કો.ઓડીર્નેટરશ્રીનો અનુરોધ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓના મનમાં પરીક્ષાને લગતા ઉદ્ ભવતા પ્રશ્નોનું નિરાકરણ અને નિદાન આપવા માટે સી.આર.સી. એરાલ દ્વારા આયોજિત  કાઉન્સેલિંગનો પ્રારંભ થયો હતો. જેમાં કો.ઓડીર્નેટરશ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષાનો હાઉ મનમાંથી કાઢી નાખી પરીક્ષાને પણ એક ઉત્સવ બનાવી દેવા સૂચન કર્યું હતું.

        કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહયા હતા. સી.આર.સી. એરાલની શાળાઓનાં વિદ્યાર્થી અને તેઓનાં વાલીઓના પ્રશ્નો અને સમસ્યાઓનો સચોટ ઉકેલ આપવા માટે એરાલ શાળા ખાતે  કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જેનું ઉદ્ ધાટન કરતાં તાલુકા સભ્‍યશ્રી મહેન્‍દ્રભાઇ એ વિદ્યાર્થી-વાલીઓને જણાવ્યું હતું કે,સીઆરસી એરાલ દ્વારા ધો.૧-૭નાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા જે આયોજન થયું છે તે સરાહનીય છે. કિશોર અવસ્થામાંથી પસાર થઇ રહેલાં ધો.૧-૭નાં વિદ્યાર્થીઓ શારીરિક-માનસિક ફેરફાર સાથે અભ્યાસ તથા માતા-પિતાની અપેક્ષામાં દબાઇ ગયાં છે. આવાં વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ દ્વારા મદદરૂપ થવાનો જે સંકલ્પ લીધો છે તે અભિનંદનને પાત્ર છે.    

    કો.ઓડીર્નેટર શ્રી ગૌરાંગ જોષીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષાપૂર્વે ચિંતા સતાવતી હોય છે કે વાંચેલું યાદ રહેતું નથી. માત્ર વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ લેતાં કરવાની જરૂર છે. વિષયોની સતત પ્રેક્ટિસ કરવાથી યાદ રહેશે. વિદ્યાર્થીઓ એક વાત સમજી લે કે, પરીક્ષા આખરી મંજિલ નથી. વ્યક્તિની જીવનયાત્રાનો એક ભાગ છે . વિદ્યાર્થીઓએ પરીક્ષા સુધી વર્લ્ડકપની મેચ, લગ્ન પ્રસંગ સહિતના અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવો પડશે. સહેલું તે પહેલું એ નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓએ વિષયોની તૈયારી કરવી જોઇએ. માતા-પિતાએ પણ પોતાની મનગમતી સિરિયલ છોડી દેવી પડશે. પરીક્ષાને ઉત્સવ તરીકે લેશો તો ડર નીકળી જશે.

યાદશકિત વધારવા મનને જાગૃત કરો –

       વિદ્યાર્થીઓને યાદશકિત વધારવા મનને જાગૃત કરવાની ટિપ્સ પરીક્ષાના સમયે નેગેટિવ વિચારોને મન પર કબજો જમાવવા દેશો નહીં. યાદ રહેતું નથી, વિષય અઘરો છે, બીમાર થઇ જવાશે વગેરેને મગજરૂપી કમ્પ્યૂટરમાંથી ડિલીટ કરી નાખો. સ્વ સૂચનથી ખોટા વિચારો આવતા બંધ થઇ જશે. હવે હું વાંચીશ તે યાદ રહેશે, હવે મારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તેવું ઓટો સજેશન કરો. વાંચવા બેસો તે અગાઉ કડક બેસીને આંખો બંધ કરી શ્વાસ લો, અને બોલો હવે હું વાંચીશ તે યાદ રહેશે. આનું પાંચ વાર પુનરાવર્તન કરો. દિવસમાં ત્રણ વારપણ કરી શકાય. માત્ર એક જ સૂચન મગજ સુધી પહોંચાડૉ. બે સૂચન ભેગાં થશે તો ગૂંચવાડી સર્જાશે. જોકે યાદશકિત વધારવાની આ કવાયત માટે શ્રદ્વા અને વિશ્વાસ જરૂરી છે. જમ્યા પછી તુરંત આ પધ્‍ધતિ ન અપનાવો.

વાલીઓ પોતાની અધૂરી ઇચ્છા સંતાનો પર ન ઠોકી બેસાડે –

           વિદ્યાર્થીઓને પરીક્ષાને લગતો ડર ખોટો છે. જો વિદ્યાર્થી ડર કાઢીને પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે કરે તો સારા માર્ક્સ મેળવી શકશે. વિદ્યાર્થીઓ કરતાં માતા-પિતાને સામાજિક આબરૂની ચિંતા વધારે સતાવતી હોય છે. મોટા ભાગનાં માતા-પિતા પોતાની અધૂરી ઇચ્છા સંતાનો પર લાદી દે છે. જે તદ્દન ખોટું છે. બાળકોને પોતાનાં રુચિ અને રસ પ્રમાણેના પ્રવાહમાં જવાની આઝાદી માતા-પિતાએ આપવી જોઇએ. એપ્ટિટ્યુડ ટેસ્ટની મદદથી વિદ્યાર્થીઓનાં રસ-રુચિને જાણીને પ્રવાહ પસંદ કરવામાં સરળતા થઇ શકે છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર ઊભો થવા માટે વાલી પણ જવાબદાર છે – વિદ્યાર્થીઓ એક વાત સારી રીતે સમજી લે કે પરીક્ષા આખરી મુકામ નથી. માતા-પિતાને જ ડર રહે છે કે મારું સંતાન પાછળ રહી જશે તો? આ ડર બાળક સુધી પહોંચે છે. બાળક તો આગળ વધવાનું જ છે. તેનો ઉછેર થવાનો જ છે. ફક્ત તેને પ્રવાહમાં વાળવાની જરૂર છે. આજના વિદ્યાર્થીઓ જોશથી ભરપૂર છે. માત્ર તેમને જરૂર છે યોગ્ય માર્ગદર્શનની. વાલીઓની અપેક્ષાનો બોજ સંતાન પર આવતાં ફૂલ ખીલવાને બદલે મૂરઝાઇ જાય છે. બાળકોને છુટાં મૂકી દો. પરીક્ષા પૂર્ણ વિરામ નથી, અલ્પવિરામ છે.

 સમય છે અતિ કીમતી સમજો

સમયસર ગઈ સંપત્તિ ફરી સાંપડે,

ગયાં આવે છે વહાણ,

ગત અવસર આવે નહીં,

ગયા ન આવે પ્રાણ.

      ગમે તેટલી સંપત્તિ વેડફાઈ ગઈ હોય તેને પાછી મેળવી શકાય છે. પણ જે ઘડી આપણી પાસેથી નીકળી ગઈ છે તે ક્યારેય પાછી આવતી નથી. માટે જો સારી અને યોગ્ય સફળતા મેળવવી હોય તો સમયસૂચકતા ખાસ મહત્ત્વની હોય છે. સમયનું મેનેજમેન્ટ સારી રીતે કરવામાં આવે તો કોઈ પણ કાર્યને નક્કી કરેલ સમયે પૂરું કરી શકાય છે અને સફળતાની જાજમ બિછાવી શકાય છે. નોકરી હોય કે અભ્યાસ સમય જેણે સાચવ્યો તેને સમય સાચવે છે. એટલે સમય નામની ગાડી તમારા ઘેર આવી હોય અને તમે તેને અવગણો તો ફરી તે આવશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. માટે ટાઈમ મેનેજમેન્ટ કોઈ પણ લક્ષ્યાંક પૂરો કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ કોઈ લક્ષ્યાંક આપણને સોંપવામાં આવે ત્યારે સમયનું બંધન તમારા માથે સતત ટકોરા મારતું હોય છે. અને આ સમયના યોગ્ય ટકોરે જો તમે જાગીને તેનો સદુપયોગ કરો તો ગમે તેવું કઠિન કાર્ય સરળ બની જાય છે. પરીક્ષાની તૈયારી માટે પણ આ જ નિયમ લાગુ પડે છે. તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરી એક સમયપત્રક બનાવો અને પછી જુઓ તેની કમાલ…

રીક્ષાના સમયમાં દીનચર્યાનું આયોજન કરી પાલન કરો –    

          પરીક્ષાના દિવસોમાં ૬ થી ૭ કલાક ઊંઘ લેવી. ગમતા સમયે વાંચવું. બપોરે આરામ લેવો. પરીક્ષાના દિવસોમાં પૌષ્ટિક આહાર લેવો જંકફૂડ ટાળવું. પરીક્ષાખંડમાં ગ્લુકોઝનું પાણી લઇ જવું. દર પંદર મિનિટે આ પાણી પીવાથી વાંચેલુ યાદ આવશે. દર એક કલાકે વાંચવામાં ૧૫ મિનિટનો બ્રેક લેવો. વિદ્યાર્થીઓના ૧૫ મિનિટના બ્રેકમાં વાલીઓએ તેમની સાથે હળવાશથી વર્તીને અન્ય ટોપિક પર ચર્ચા કરવી જોઇએ. અઘરા વિષયોને લખવાની પ્રેક્ટિસ પાડવી જોઇએ. યોગ્ય આહાર પરીક્ષાના દિવસોમાં સામાન્ય રીતે વિદ્યાર્થી ઓછો ખોરાક લે છે. એ વાત સાચી કે ખોરાક ઓછો કરવો જોઈએ પણ એટલે ઓછો પણ ન કરવો જેથી શરીરને નુકસાન થાય. શરીર સ્વસ્થ હશે તો ગમે તેવી અઘરી પરીક્ષા પણ પાર પાડી શકાય. માટે યોગ્ય ખોરાક શરીર અને મનને તંદુરસ્ત રાખશે. પૂરતી ઊંઘ ઉજાગરા કરવાથી શરીર પણ બગડે છે અને માંદા પડવાની શક્યતા પણ વધી જાય છે. આપણે જણાવ્યા પ્રમાણે ટાઈમ ટેબલને અનુસરવામાં આવે તો ઉજાગરા કરવા નહીં પડે અને કોઈ સમસ્યા પણ નહીં આવે. પૂરતી ઊંઘ શરીરને સશક્ત બનાવે છે અને વાંચવાની ક્ષમતામાં પણ વધારો થાય છે.

પૂછતાં પંડિત થવાય

        જો કોઈ બાબતની ખબર ન પડતી હોય તો ખોટી મૂંઝવણમાં પડયા કરતાં તમારા શિક્ષક અથવા તો સિનિયર વિદ્યાર્થી પાસે મદદ લઈ શકો. અભ્યાસના ક્ષેત્રમાં નાસીપાસ થવાથી કંઈ મળતું નથી. કોઈ પણ સમસ્યાનો હલ હોય છે. માત્ર જરૃર હોય છે તેના મૂળ સુધી જવાની. કેમ કે તમે પ્રશ્ન ઝડપથી હલ કરશો તો તમારો કિંમતી સમય પણ બચી જશે. સબળું પાસું જાણો કોઈ પણ વ્યક્તિ દરેક ક્ષેત્રમાં માહેર કે નિપુણ હોતી નથી અને આપણે પણ એમાંથી બાકાત નથી એ બાબતને ધ્યાનમાં રાખીને આગળ વધવું. જે વિષય પર તમારી સારી પક્કડ હોય તેને વધુ મજબૂત બનાવો અને જે પાસું નબળું હોય તેને સતત ટ્રીટમેન્ટ આપતાં રહો. સબળું પાસું વધુ મજબૂત કરો અને નબળા પાસાને સમયાંતરે સંવારતાં રહો.

 સમયાંતરે બ્રેક

          મહેનત એટલે આખો દિવસ બસ વાંચવા કે લખવા મચી જ પડવું એવું નથી. ગમે તે થાય આજે આ ચોપડી પૂરી કરવી જ છે એવો કડક નિયમ લાગુ પાડવાની જરૃર નથી. સવારે બે-ત્રણ કલાક મહેનત કરો અને વચ્ચે થોડો બ્રેક લો. વાચવાની સાથે સાથે સમયાંતરે થોડો વિરામ લેવો જેથી મગજ અને શરીરને આરામ મળી રહે. આમ કરતાં રહેવાથી તમે રિલેક્સ રહી શકશો. જે તમને બાકીના બચેલા દિવસ માટે ર્સ્ફૂતિ આપનાર બની રહેશે. પછી રાતના સમયે ત્રણથી ચાર કલાક વાંચો. આમ કરવાથી તમે માનસિક રીતે સ્વસ્થ રહી ઓછા સમયમાં તમારી મહેનતને પૂર્ણ ન્યાય આપી શકશો અને પરીક્ષામાં ધાર્યું પરિણામ મેળવી શકશો.

By HT. Gaurang Joshi

Leave a comment